બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુરાગમન થતાં લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાને અંબાજી અને આસપાસના વિસ્તારોમાં મહેર કરી છે. અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં એક અનેરો ઉમંગ જોવા મળ્યો. આ વરસાદના આગમનથી માત્ર લોકો જ નહીં પરંતુ પ્રકૃતિ પણ ખોલી ઉઠી છે અને અરવલ્લીની ગિરિમાળાઓ લીલીછમ બની ગઈ છે.


ગામડાઓમાં પણ વરસાદી માહોલ

આ વરસાદ માત્ર અંબાજી પૂરતો સીમિત રહ્યો ન હતો પરંતુ તેની અસર દાંતા તાલુકાના કેટલાક ગામોમાં પણ જોવા મળી હતી. આ વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. પાકને બચાવવા માટે વરસાદની સખત જરૂર હતી અને આ વરસાદ વરસતા ખેડૂતોની આશાઓ ફરી જીવંત થઇ છે. ઘણા ખેડૂતોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ તેમના ઉભા પાકને નવું જીવન આપશે. આનાથી પાકની ઉપજ સારી થવાની સંભાવના વધી ગઈ છે.

નાગરિકોને બફારાથી રાહત મળી

જિલ્લામાં વરસાદની શરૂઆત થતા જ એક સકારાત્મક માહોલ સર્જાયો છે. ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. જોકે, હજુ પણ જિલ્લાના અન્ય ભાગોમાં સારો વરસાદ પડે તે જરૂરી છે. ખેડૂતો અને સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે, વરસાદની શરૂઆત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ વરસશે જેથી જિલ્લામાં પાણીની સમસ્યા હાલ થઇ શકે અને કૃષિ ક્ષેત્રે સારા પરિણામો મળી શકે.


  • Follow us on: