અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા ઘંટિયાણ ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં સિંહોના ટોળાએ વનરાજના ગૌરવને લજવીને એક 7 વર્ષના નિર્દોષ બાળકનો શિકાર કર્યો છે. આ ઘટના ઘંટિયાણ ગામની સીમમાં આવેલી કલ્પેશભાઈ પોપટભાઈ સોજીત્રા નામના ખેડૂતની વાડીમાં બની હતી, જ્યાં મૂળ પરપ્રાંતીય કે અન્ય વિસ્તારનો શ્રમિક પરિવાર રહીને ખેત મજૂરી કરતો હતો.


અંધારી રાત્રે ત્રાટક્યું ચાર સિંહોનું ટોળું

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે મજૂર પરિવાર વાડીમાં બનેલા પોતાના ઝૂંપડા પાસે સૂતો હતો. આ દરમિયાન જંગલમાંથી ભટકતું ૧ સિંહ, ૧ સિંહણ અને ૨ અર્ધ-વયસ્કો (બચ્ચા) નું આખું ટોળું ખોરાકની શોધમાં વાડી વિસ્તારમાં ધસી આવ્યું હતું. આ સિંહ પરિવારે અચાનક ઝૂંપડા બહાર સૂતેલા ૭ વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો. પરિવાર કંઈ સમજે કે બૂમાબૂમ કરે તે પહેલા જ સિંહ અને સિંહણ બાળકને મોઢામાં દબોચીને અંધારામાં ગાયબ થઈ ગયા હતા.

જૂનાગઢ જિલ્લાની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો

બનાવની જાણ થતાં જ વાડી માલિક અને આસપાસના ખેડૂતો લાકડીઓ અને ટોર્ચ લઈને બાળકની શોધમાં નીકળ્યા હતા અને વન વિભાગને પણ કટોકટીની જાણ કરી હતી. વન વિભાગની ટીમે રાત્રે જ ટ્રેકિંગ શરૂ કર્યું હતું. સિંહ પરિવાર બાળકને અમરેલી જિલ્લાની સરહદ ઓળંગાવીને અંદાજે દોઢ કિલોમીટર દૂર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામની સીમમાં લઈ ગયો હતો. ત્યાંથી સર્ચ ટીમને માસૂમ બાળકનો લોહિયાળ મૃતદેહ મળી આવ્યો હતો. સિંહોએ બાળકને ફાડી ખાધો હોવાનું જોઈને વનકર્મીઓ અને પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Himatnagar: દેશભરમાં 41 ગુના આચરનાર ઉત્તરાખંડની ગેંગના 2 સાગરીત ઝડપાયા


  • Follow us on: