હિંમતનગરમાં છેલ્લા થોડા સમયથી બંધ મકાનોને નિશાન બનાવીને રોકડ અને સોના-ચાંદીના દાગીના સાફ કરી જતી ગેંગ સક્રિય થઈ હતી. ખાસ કરીને મહાવીરનગર અને તેની આસપાસની પોશ સોસાયટીઓમાં ધોળા દિવસે કે મધ્યરાત્રિએ ઘરફોડ ચોરીના બનાવો વધતાં સ્થાનિક લોકોમાં ફફડાટ હતો. આ મામલાને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી (LCB) ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બંધ મકાનોને નિશાન બનાવતી ગેંગ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યંત વ્યવસ્થિત આયોજન સાથે ગુનાને અંજામ આપતી હતી. આરોપીઓએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એક મોટરસાયકલની ચોરી કરી હતી. આ ચોરીની બાઈકનો ઉપયોગ તેઓ હિંમતનગરમાં રેકી કરવા માટે કરતા હતા. સોસાયટીઓમાં કયા મકાનને તાળા મારેલા છે અને કયો પરિવાર બહારગામ ગયો છે, તેની સચોટ માહિતી મેળવ્યા બાદ તેઓ લોખંડના વજનદાર હથિયારોથી દરવાજાના નકોચા તોડીને મિનિટોમાં ચોરી કરી રફુચક્કર થઈ જતા હતા.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ખાખીનો વિજય
એલસીબીની ટીમે ગુનાવાળા તમામ સ્થળોના અને શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સના સેંકડો સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવીમાં દેખાયેલી શંકાસ્પદ બાઈક અને તેના આધારે મોબાઈલ ટાવરના ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદથી પોલીસે ચોક્કસ લોકેશન મેળવીને ઉત્તરાખંડના બે રીઢા ગુનેગારો શહેજાદ ઉર્ફે ખિલા અને દાનિશ ફકીરને ફિલ્મી ઢબે કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પોલીસ દરોડા દરમિયાન તેમની પાસેથી ચોરીના દાગીના, રોકડા પૈસા અને સુરતથી ચોરાયેલી બાઈક સહિત 49,250 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
કુલ 41 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ દેશના મોસ્ટ વોન્ટેડ ઘરફોડ ચોરો પૈકીના છે અને તેમની સામે અલગ-અલગ રાજ્યોમાં કુલ 41 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેમના ત્રીજા ફરાર સાથીદાર કલ્લુને પકડી શકાય અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં તેમણે આચરેલી ચોરીઓનો ભેદ પણ ખોલી શકાય.
આ પણ વાંચો: Surat: સરકારી કોન્ટ્રાક્ટના નામે વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, શૂઝ ટેન્ડર કૌભાંડમાં વધુ એક આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો