સુરત શહેર Eco Cellએ ટેન્ડરિંગ અને સપ્લાય ચેઇનના નામે ચાલતા એક બહુ મોટા રેકેટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય ઠગ ટોળકીના વધુ એક સાગરીતને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના એક પ્રતિષ્ઠિત હોલસેલ વેપારીને સરકારી વિભાગોમાં રૂપિયા 36 કરોડનું માતબર શૂઝ સપ્લાય કરવાનું ભાડૂતી ટેન્ડર અપાવવાની લાલચ આપીને આ આખી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતાં ઇકો સેલના ઉચ્ચ અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં ઓપરેશન હાથ ધરીને આરોપી સાયન સેન નિમાઈને રાઉન્ડઅપ કર્યો છે.
16 ટકા કમિશન અને માલની ઉઘાડી લૂંટ
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ઠગ ટોળકીએ સુરતના વેપારીનો સંપર્ક કરીને પોતાની મોટી સરકારી વગ હોવાનો દાવો કર્યો હતો. તેમણે વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ સહેલાઈથી 36 કરોડનું ટેન્ડર પાસ કરાવી દેશે. આ ડીલ નક્કી કરવા માટે આરોપીઓએ કુલ રકમના 16 ટકા કમિશનની માંગણી કરી હતી. લાલચમાં આવી ગયેલા વેપારીએ ટેન્ડર પાસ થવાની આશાએ જુદા-જુદા બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે ટુકડે-ટુકડે કુલ 2.49 કરોડ કમિશન પેટે આરોપીઓને ચૂકવી દીધા હતા.
વેપારી સાથે 7 કરોડની છેતરપિંડી
આટલાથી પણ પેટ ન ભરાતા, કૌભાંડીઓએ ટેન્ડરના એડવાન્સ સપ્લાય અને સેમ્પલિંગના બહાને સુરતના વેપારી પાસેથી અલગ-અલગ બ્રાન્ડના કુલ 4.50 કરોડની કિંમતના શૂઝનો જથ્થો ઓર્ડર આપીને મંગાવી લીધો હતો. આ શૂઝનો જથ્થો સગેવગે કરીને અને કમિશનના 2.49 કરોડ પચાવી પાડીને આખી ટોળકી રાતોરાત પોતાના ફોન બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. આમ, વેપારી સાથે કુલ રૂપિયા 7 કરોડની બહુ મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી.
અગાઉ બે જેલમાં, હવે ત્રીજો પણ સકંજામાં
જ્યારે ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે સુરત ઇકો સેલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને અગાઉ આ રેકેટમાં સામેલ બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી હતી. તેમની પૂછપરછમાં પશ્ચિમ બંગાળના સાયન સેન નિમાઈનું નામ સામે આવ્યું હતું. સાયન સેન પોલીસથી બચવા માટે સતત બંગાળમાં પોતાના લોકેશન બદલી રહ્યો હતો, પરંતુ સુરત ઇકો સેલની હાઇટેક ટીમે છેવટે તેને ટ્રેસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે સુરત લાવી ધરપકડ કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ 7 કરોડના કૌભાંડના નાણાં ક્યાં ઇન્વેસ્ટ કરાયા છે અને આ ટોળકીએ દેશના અન્ય કેટલા વેપારીઓને શૂઝ ટેન્ડરના નામે ચૂનો લગાવ્યો છે.
આ પણ વાંચો: Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ