અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાથી પરેશાન થઈને સ્થાનિક ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. વીજ પુરવઠાની આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ કુંકાવાવ સ્થિત PGVCL કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરમાં વારંવાર પાવર કાપ સામે જોરદાર સૂત્રોચ્ચાર
કુંકાવાવ વિસ્તારમાં આવેલા જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરમાં વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જવાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે. તહેવારોના દિવસોમાં તેમજ ખેતીકામ માટે પૂરતો પાવર ન મળતાં ખેડૂતોને ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે. આ પરિસ્થિતિથી આક્રોશિત થયેલા ખેડૂતોએ PGVCL કચેરી પરિસરમાં એકઠા થઈને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
