વડોદરા શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. શહેરના કુખ્યાત અને માથાભારે હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની અને તેના સાગરીત મનોજ ત્રિવેદીની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. ઝડપાયેલો આરોપી હુસેન સુન્ની એક રીઢો ગુનેગાર છે, જેની સામે ગુજસીટોક (GUJCTOC) જેવા કડક કાયદા સહિત અગાઉ 75 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તે ભૂતકાળમાં 8 વખત પાસા (PASA) હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.

રૂ.1.5 લાખથી વધુની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરાયું

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને હુસેન સુન્ની અને મનોજ ત્રિવેદી પાસેથી રૂ.1.5 લાખથી વધુની કિંમતનું ગેરકાયદેસર MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, આરોપી હુસેન સુન્ની સામે અગાઉ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો, ત્યારથી જ તે પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. નાસતા ફરતા હોવા છતાં તે ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય હોવાનું આ જથ્થાની બરામદગી પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

NDPS કેસમાં નાસતા ફરતા આરોપીઓ સામે કાયદાકીય શિકંજો કસાયો

ગુનાહિત ઇતિહાસ ધરાવતા હુસેન સુન્નીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ખાસ ચોક્કસ બાતમીના આધારે જાળ બીછાવીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને શહેરમાં કોને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ડિજિટલ અરેસ્ટ સામે CBIની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, 20 રાજ્યોમાં એકસાથે રાષ્ટ્રીય દરોડા, કરોડોનું નેટવર્ક પકડાયું!