ગુજરાતની વૈશ્વિક ઓળખ સમાન એશિયાટિક સિંહોને લઈને એક અત્યંત ચિંતાજનક અને દુખદ ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા રેન્જ વિસ્તારમાં આવેલા પીપાવાવ પોર્ટના દરિયામાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. એશિયાટિક સિંહો સામાન્ય રીતે જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં વિચરતા હોય છે, પરંતુ દરિયામાંથી સિંહનો મૃતદેહ મળી આવવાની આ અસાધારણ ઘટનાએ વનવિભાગ અને વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. પીપાવાવ પોર્ટની જેટી વિસ્તાર પાસેથી આ મૃતદેહ મળી આવતા જ સ્થાનિક વન અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
દરિયામાં પગ જવાથી સિંહ ડૂબ્યો
પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. ઘટનાના દિવસો પહેલા પ્રથમ પટવા દરિયા કાંઠે ત્રણ સિંહો વચ્ચે પરસ્પર ભીષણ ઇન્ફાઇટ (ઘર્ષણ - લડાઈ) થઈ હતી. આ આપસની લડાઈ દરમિયાન અચાનક એક સિંહનો પગ દરિયાના પાણી તરફ સરકી ગયો હતો અને તે દરિયામાં પડી ગયો હતો. લડાઈના કારણે અશક્ત બનેલો કે પાણીના પ્રવાહમાં અજાણ બનેલો આ સિંહ દરિયાના ઊંડા પાણીમાંથી બહાર આવી શક્યો નહોતો અને પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.
