અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બદલાતા હવામાન અને આકાશમાં છવાયેલા વાદળો વચ્ચે ઋતુજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો છે, જેના કારણે ગામડાઓથી લઈને શહેરી વિસ્તાર સુધી ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું સ્વાસ્થ્ય અચાનક કથળતા વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ રોજબરોજ 250 થી પણ વધુ દર્દીઓની OPD (આઉટપેશનટ ડિપાર્ટમેન્ટ) નોંધાઈ રહી છે, જે દર્શાવે છે કે પંથકમાં રોગચાળાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા હોસ્પિટલમાં દર્દીઓનું ઘોડાપૂર
છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા મોસમી મિજાજના લીધે વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઊલટી અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે, વડિયા આરોગ્ય ધામમાં દર્દીઓની એટલી બધી ભીડ ઉમટી છે કે હોસ્પિટલના તમામ બેડ દર્દીઓથી ફૂલ થઈ ગયા છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકો આ વાયરલ બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે, જેના કારણે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ સતત દોડધામ કરી રહ્યો છે.
