ગીર સોમનાથ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખતી અકસ્માતની ઘટના સામે આવી છે. ધોકડવા બેડીયા રોડ પર પૂરઝડપે દોડતા ડમ્પર અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર સર્જાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં IIFL ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સવારે નોકરી જતા સમયે સર્જાયેલી દુર્ઘટનામાં માથામાં ગંભીર ઈજા

મળતી માહિતી મુજબ, મૃતક યુવક ઉમેજ ગામના રહેવાસી હિંમતભાઈ વાળા હોવાનું સામે આવ્યું છે. હિંમતભાઈ સવારના સુમારે પોતાના બાઈક પર સવાર થઈને ધોકડવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ગંભીર દુર્ઘટના ઘટી હતી. ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલક હિંમતભાઈ ફંગોળાઈને નીચે પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ડમ્પર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સાથે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Suratના મોટા વરાછામાં જ્વેલર્સની મોટી ઠગાઈ, લગ્નના સોનાના દાગીના બનાવી આપવાના નામે રૂ.17.14 લાખ પડાવ્યા!