એશિયાટિક સિંહોના ઘર ગણાતા સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન અને સિંહ પજવણીની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારના કડક આદેશ બાદ વન વિભાગ દ્વારા એક ઐતિહાસિક અને દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહ મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે 'લાયન શો' યોજી સિંહોની પજવણી કરવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનામાં વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ એક મૃતક સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મોબાઈલ ફોન દ્વારા વિડીયો કોલ કરીને લાયન શો કરાવતા હતા

મળતી વિગતો અનુસાર, આરોપીઓ સિંહ મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહોની નજીક પહોંચી ગયા હતા અને ત્યાંથી પોતાના પરિચિતોને મોબાઈલ ફોન દ્વારા વિડીયો કોલ કરીને લાયન શો કરાવતા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં

તમામ વિડીયો ડેટા ડિલીટ કરી નાખ્યો

આ શખ્સોએ સિંહ પજવણીની લાઈવ વીડિયોગ્રાફી પણ કરી હતી. જોકે, વન વિભાગની કાર્યવાહીની ગંધ આવી જતાં પકડાઈ જવાના ડરથી આરોપીઓએ ગુનાના પુરાવાનો નાશ કરવા માટે પોતાના મોબાઈલમાંથી તમામ વિડીયો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો.

વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો દાખલ

લીલીયા વન વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ (વ્યનજીવ સુરક્ષા કાયદો) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી તેજ કરી છે. વન વિભાગ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રેહાનખાન પઠાણ (રહે. અમરેલી) અને યશરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજા આરોપી અહેમદ ઉર્ફે સોહિલ મેમણ (રહે. અમરેલી) નું મૃત્યુ થયેલ હોવાથી તે મૃતક તરીકે દર્શાવેલ છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ ગુનો સાબિત થાય તો આરોપીઓને 3 થી લઈને 7 વર્ષ સુધીની કડક જેલની સજાની જોગવાઈ છે. હાલમાં લીલીયા વન વિભાગ દ્વારા ધરપકડ કરાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો   :   Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં