અમરેલી જિલ્લામાંથી પસાર થતા ખાંભા નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે રોડ પર ભાવરડીથી રાણીંગપરા વચ્ચેનો પુલ જર્જરિત હોવાથી નેશનલ હાઈવે ઓથોરાઈઝ તંત્ર દ્વારા ડાયવર્ઝન કે કોઈ અન્ય વિકલ્પ કર્યા વગર એસ.ટી બસ સહિત ભારે વાહનો પ્રતિબંધ લગાવવાથી ડેડાણ તેમજ આસપાસના 20 ગામોમાં એસટી બસ સેવાઓ ઠપ થઈ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
ખાનગી વાહનોમાં તગડી રકમ આપીને અવરજવર
ખાંભા નાગેશ્રી 351G નેશનલ હાઇવે પર ભાવરડી ગામ નજીક જર્જરીત પુલ હોવાથી નેશનલ હાઈવે ઓથોરાઈઝ તંત્ર દ્વારા એસટી બસ સહિત ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ડેડાણ તેમજ આસપાસના 20 ગામોમાં એસટી બસ અવર જવર કરી શકે તેવી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા આ ગામડાઓમાં જવા માટે કોઈ વિકલ્પ કે ડાયવર્ઝન ન મુકવાને કારણે એસટી બસો ગ્રામ્ય વિસ્તારમાં જતી નથી જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે અને ખાનગી વાહનોમાં તગડી રકમ આપીને અવરજવર કરવા લોકો મજબૂર બન્યાં છે.
ડાયવર્ઝન અથવા તો અન્ય કોઈ વિકલ્પ મૂકવામાં આવ્યો નથી
સ્થાનિકોનું કહેવું છે કે, સરકાર દ્વારા આ પુલ પરથી એસટી બસ અવર-જવર કરવા માટે ડાયવર્ઝન અથવા તો અન્ય કોઈ વિકલ્પ મૂકવામાં આવ્યો નથી જેના કારણે એક પણ એસટી બસ ડેડાણ ગામે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવતી નથી. જેથી અમારે તથા વિદ્યાર્થીઓએ તગડી રકમ આપી પ્રાઇવેટ વહનનોમાં અભ્યાસ અર્થે અને નોકરી માટે આવવા જવા માટે પ્રાઈવેટ વાહનોમાં અવરજવર કરવી પડે છે. જેથી સરકારને વિનંતી છે કે એસટી બસ વહેલી તકે ચાલુ કરાવવામાં આવે.
ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ડેડાણ ગામના સરપંચ સહિત આગેવાનો અને વેપારીઓ દ્વારા એસટી તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે અને સરકાર દ્વારા વહેલી તકે નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પર જર્જરિત પુલ બન્યો છે ત્યાં ડાયવર્ઝન અથવા અન્ય કોઈ વિકલ્પ કરી અને તાત્કાલિક એસટી બસ શરૂ કરવામાં આવે તેવી ગામજનોની માગ છે.સરાકડિયાથી રાણીપરા ગામ થઈને એસટી બસ ડેડાણ આવી શકે તેમ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા આપવામાં આવી નથી.જો વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ગામ બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ડેડાણ વાસીઓએ ઉચ્ચારી હતી.