અમરેલીના ખાંભા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ભાડ ગામ ખાતે આવેલા ખોડિયાર ચેકડેમમાં એક યુવક ડૂબી જતાં તેને બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભાડ ગામનો એક યુવક પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે ખોડિયાર ચેકડેમ પાસે ગયો હતો. પાણી પીવડાવતી વખતે અકસ્માતે તેનો પગ લપસી ગયો હતો અને તે ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ભાડ ગામમાં ખોડીયાર ચેકડેમની ધટના
યુવકને ડૂબતો જોઈને આસપાસના ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં જ ભાડ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તાત્કાલીક જ મામલતદાર અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં ગામના સ્થાનિક તરવૈયાઓ પણ મદદે દોડી આવ્યા હતા.













