અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં સરકારી મિલકતો અને નદીના પટોમાંથી થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લીલીયાના આંબા-જીરા વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં મોટા પાયે ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની બાતમી ખાણ-ખનીજ વિભાગને મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓની ટીમે નદીના પટમાં ઓચિંતી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
રૂપિયા 31 લાખના વાહનો જપ્ત કરાયા
ખાણ-ખનીજ વિભાગની આ ત્વરિત કાર્યવાહી દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદે ખનન અને રેતી ચોરીમાં સંડોવાયેલા 3 ડમ્પર અને 2 ટ્રેક્ટરો મળી આવ્યા હતા. તંત્રની ગાડીઓ જોઈને સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. અધિકારીઓએ ઘટના સ્થળેથી આ તમામ 5 વાહનોને ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત રૂપિયા 31 લાખ થવા જાય છે અને આ તમામ વાહનો ખાલી હાલતમાં મળી આવ્યા હતા.

