અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા નજીક ગેરકાયદે સિંહ દર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ વીડિયોમાં જાણીતા ગુજરાતી અભિનેતા ઓજસ રાવલ સિંહ દર્શન કરતા નજરે પડતા વન્યજીવ પ્રેમીઓ અને વન વિભાગમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વીડિયો સામે આવતા જ ઉચ્ચ કક્ષાએથી આ મામલાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

IFS રાજ પટોળીયા રાજુલા રેન્જમાં પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગના ઉચ્ચ અધિકારી IFS રાજ પટોળીયા તાત્કાલિક રાજુલા રેન્જમાં દોડી આવ્યા છે. તેમણે રાજુલાના કોવાયા નજીક જે સ્થળે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો તે સ્થળની રૂબરૂ મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વન વિભાગ દ્વારા અભિનેતા ઓજસ રાવલ અંગે પણ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

https://x.com/sandeshnews/status/2125981357558169988?a=EGVk8jGSLLGG58aPli0&s=20

સિંહ દર્શનમાં સંડોવાયેલા તમામ લોકો સામે થશે કડક કાર્યવાહી

વન વિભાગની ટીમ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ ગેરકાયદે સિંહ દર્શનમાં અભિનેતા ઓજસ રાવલ સિવાય અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા. સ્થાનિક ગાઈડ અથવા અન્ય કોઈ વ્યક્તિની મદદથી આ સિંહ દર્શન ગોઠવવામાં આવ્યું હતું કે કેમ તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં લેવાની તૈયારીઓ વન વિભાગે શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Surat હચમચી ગયું! 2 દિવસથી ગુમ 17 વર્ષીય સગીરાનો ખાડીમાંથી મળ્યો મૃતદેહ, ગળા પરના નિશાન ખોલશે મોટું રહસ્ય?