સુરત શહેરમાં ફરી એકવાર સનસનાટી મચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલા કનસાડ પાસેની ખાડીમાંથી 17 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સગીરા છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી, જેની પરિવારજનો અને પોલીસ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ખાડીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા

મૃતદેહને બહાર કાઢ્યા બાદ પ્રાથમિક તપાસમાં સગીરાના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નિશાનને કારણે સગીરાનું મોત સામાન્ય નથી પરંતુ તેની પાછળ કોઈ ગંભીર કાવતરું હોવાની શંકા ઘેરી બની છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ

17 વર્ષીય સગીરાના શંકાસ્પદ મોતને પગલે સ્થાનિક પોલીસે આ મામલો હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાની સાથે પરિવારજનો અને પરિચિતોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, આશાસ્પદ દીકરીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર, આવતીકાલે નહીં થાય આખરી મતદાર યાદી પ્રસિદ્ધ!