દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આપેલા આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.પભુબા માણેકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ ધારાસભ્ય હીરા સોલંકીને કહી રહ્યાં છે કે, ગુજરાતમાં તમારો સમાજ સૌથી મોટો છે અને બીજા નંબરનો છે. જેથી મુખ્યમંત્રી પણ તમારા થવા જોઈએ. તેમના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. હવે પાટીદાર સમાજ પણ આ નિવેદન સામે લાલઘૂમ થયો છે.
પબુભા માણેકને વિશેષ મહેમાન તરીકે બોલાવ્યા હતાં
રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ ધારાસભ્ય પબુભા માણેકે આપેલા કોળી સમાજના મુખ્યમંત્રી હોવા અંગેના નિવેદન બાબતે કહ્યું હતું કે, સમસ્ત કોળી સમાજ દ્વારા એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પબુભા માણેકને મુખ્ય અધ્યક્ષ તરીકે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ વક્તા તરીકે પણ ત્યાં હાજર રહ્યા હતા.આ સમગ્ર વિસ્તાર સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકનો આવતો હોવાથી તેઓ પણ આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ આયોજનમાં સાંસદ પૂનમબેન માડમને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
