ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે અને હવે બેઠકોની વહેંચણી અંગે પણ વાતચીત શરૂ થઈ ગઈ છે.આ દરમિયાન કોંગ્રેસ દ્વારા સપાને સોંપવામાં આવેલી શોર્ટલિસ્ટેડ બેઠકોની એક યાદી લીક થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.જોકે બંને પક્ષો તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કોંગ્રેસે 181 બેઠકોની પસંદગી કરી યાદી સપાને સોંપી
સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર,આ યાદી લગભગ દોઢ મહિના પહેલા કોંગ્રેસ તરફથી અખિલેશ યાદવને આપવામાં આવી હતી.જેનો ખુલાસો હવે થયો છે. યુપીની 403 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 181 બેઠકોની પસંદગી કરી યાદી સપાને સોંપી છે.કોંગ્રેસે એવી ઘણી બેઠકોની માંગ કરી છે.જ્યાં સપા 2022ની ચૂંટણીમાં જીતવામાં સફળ રહી હતી.કોંગ્રેસે પોતાના વર્તમાન સાંસદ ધરાવતા વિસ્તારોમાં ત્રણથી ચાર બેઠકોની માંગણી મૂકી છે.જ્યારે કેટલાક જિલ્લાઓમાં બેથી ત્રણ બેઠકો માંગી છે.આ ઉપરાંત ઘણા જિલ્લાઓમાં ઓછામાં ઓછી એક બેઠક પર ચૂંટણી લડવાનો પ્લાન છે.દલિત બહુમતી ધરાવતી બેઠકો પર પણ નજર રાખી છે.
સપાની વર્તમાન બેઠકો પર પણ કોંગ્રેસની નજર
સૂત્રો મુજબ,કોંગ્રેસે જે બેઠકોની માંગણી કરી છે તેમાં 22 બેઠકો એવી છે જ્યાં હાલમાં સપાના ધારાસભ્યો છે.આમાંથી 4 બેઠકો એવા ધારાસભ્યોની છે જેઓ પાર્ટી છોડીને જતા રહ્યા છે જેમાં ગૌરીગંજથી રાકેશ પ્રતાપ સિંહ, ઊંચાહારથી મનોજ પાંડે અને કાલપીથી વિનોદ ચતુર્વેદીની બેઠકોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કોંગ્રેસે મુઝફ્ફરનગરની ચરથાવલ બેઠક પણ માંગી છે.જ્યાં સપાના પંકજ મલિક ધારાસભ્ય છે.લીક થયેલી યાદીમાં એવી બેઠકો પણ સામેલ છે જે ગત ચૂંટણીમાં સપા-રાલોદ ગઠબંધન હેઠળ રાલોદે જીતી હતી.કોંગ્રેસ દ્વારા માંગવામાં આવેલી બેઠકોમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશની બેઠકો મુખ્યત્વે સામેલ છે. કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા રાયબરેલી અને અમેઠી ઉપરાંત સહારનપુર, પ્રયાગરાજ, વારાણસી, દેવરિયા, ગોરખપુર અને બુંદેલખંડ વિસ્તારની મોટાભાગની બેઠકો પર પણ કોંગ્રેસે દાવો ઠોક્યો છે. કોંગ્રેસની ખાસ નજર દલિત-મુસ્લિમ અને બ્રાહ્મણ બહુમતી ધરાવતી બેઠકો પર છે.
સપા-કોંગ્રેસ ગઠબંધન પર સૌની નજર
ભલે બંને પક્ષોના નેતાઓ જાહેરમાં એવો દાવો કરી રહ્યા હોય કે ગઠબંધન નક્કી છે અને પરસ્પર સહમતિથી બધું ઉકેલાઈ જશે, પરંતુ કોંગ્રેસ તરફથી બેઠકોની આ લાંબી યાદી સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું આટલી સરળતાથી બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી થઈ શકશે? મંગળવારે સપા અને કોંગ્રેસની ઔપચારિક સીટ શેરિંગ બેઠક યોજાવાની છે, જેમાં બંને પક્ષના નેતાઓ પોતપોતાની માંગણીઓ રજૂ કરશે. આ અગાઉ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સાથે યુપી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ ચૂકી છે, જેમાં પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે સન્માનજનક બેઠકો સાથે જ સમજૂતી કરશે. હવે સૌની નજર સપા નેતૃત્વ આ દાવાઓ પર શું પ્રતિક્રિયા આપે છે તેના પર ટકેલી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સોશિયલ મીડિયા પરથી પ્રેમ, મૈત્રી કરાર અને પછી આત્મહત્યા, પતિ સહિત ચાર જેલના સળિયા પાછળ!