અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલો એક યુવક સાથેનો સંબંધ યુવતી માટે જીવલેણ સાબિત થયો છે. વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામ દ્વારા મયુર પરમાર નામના યુવકના સંપર્કમાં આવેલી યુવતીએ તેની સાથે મૈત્રી કરાર કરી લીધા હતા અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. આ સંબંધ દરમિયાન યુવતીએ એક દીકરાને પણ જન્મ આપ્યો હતો, પરંતુ સમય જતા આ સંબંધોમાં કડવાશ આવવા લાગી હતી.

સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી યુવતી

મળતી માહિતી મુજબ, યુવક મયુર પરમાર અને યુવતી વચ્ચે અવારનવાર નાની-નાની બાબતોમાં બોલાચાલી અને ઝઘડા થતા હતા. યુવક વારંવાર કહેવા છતાં યુવતી સાથે કાયદેસરના લગ્ન કરવા તૈયાર થતો ન હતો. આ ઉપરાંત, યુવક તેમજ તેના માતા પ્રવિણ પરમાર, સાસુ મંજુબેન પરમાર અને દિયર વિસાલ પરમાર દ્વારા યુવતીને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આરોપીઓએ અગાઉ પણ યુવતી સાથે ઝઘડો કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને માર પણ માર્યો હતો.

Ahmedabad News: Bapunagar Suicide Case: Four Arrested for Abetment After Young Woman Ends Life

"તું મને ગમતી નથી, મરી જા" - અંતિમ ફોન કોલ અને આત્મહત્યા

ઘટનાની વિગતો અનુસાર, ગત 15મી નવેમ્બરના રોજ સવારના સમયે યુવતીએ પોતાની માતાને ફોન કરીને રડતા-રડતા જાણ કરી હતી કે, આરોપીઓએ તેની સાથે ઝઘડો કર્યો છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુવકે તેને અપમાનિત કરીને એમ કહ્યું હતું કે, "તું મને ગમતી નથી, કાં તો મરી જા અથવા ઘરમાંથી નીકળી જા." આ અત્યાચાર અને માનસિક ત્રાસથી આક્ષેપિત બની ગયેલી યુવતીએ અંતે ભારે માનસિક તણાવમાં આવીને પોતાના ઘરે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.

બાપુનગર પોલીસે કરી ચાર આરોપીઓની ધરપકડ

યુવતીએ આત્મહત્યા કર્યાની જાણ થતાં જ તેના પરિવારજનોમાં કાળો કલ્પાત મચી ગયો હતો. માતાની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવતીના પતિ મયુર પરમાર, સસરા પ્રવિણ પરમાર, સાસુ મંજુબેન પરમાર અને દિયર વિસાલ પરમાર વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને આ મામલે વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: Ahmedabad News: સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં નવો વળાંક, આરોપી મુદસર પઠાણની માતાના ગંભીર આક્ષેપો