અમરેલી જિલ્લાના રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સફાઈ અને વૃક્ષારોપણના સંયુક્ત પરિપત્રનો ફિયાસ્કો થયો હોવાની ગંભીર બાબત સામે આવી છે. દર મહિનાના રવિવારે સઘન સફાઈ અભિયાન અને 'કેચ ધ રેઇન' અંતર્ગત નક્કર કામગીરી કરવાના બદલે રાજુલા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોએ માત્ર ઔપચારિકતા પૂરી કરી હતી. સાર્વજનિક સ્થળોએ વાસ્તવિક કામગીરી કરવાને બદલે અધિકારીઓ અને ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પ્રાંત કચેરી ખાતે ભેગા થઈ માત્ર ફોટો સેશન કરીને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

જ્યાં પહેલેથી જ સ્વચ્છતા અને વૃક્ષો હતાં ત્યાં જ કામગીરી બતાવી જિલ્લામાં રિપોર્ટ મોકલ્યો

બનાવની ચોંકાવનારી વિગત મુજબ, રાજુલા પ્રાંત કચેરીમાં પહેલેથી જ પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થયેલું છે અને પરિસર એકદમ સ્વચ્છ છે. છતાં પણ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત, વન વિભાગ અને શાસક પક્ષ ભાજપના આગેવાનોએ પ્રાંત કચેરીમાં જ ફરીથી રોપાઓ વાવીને તેમજ સફાઈના પોઝ આપીને તસવીરો પડાવી હતી. આ પ્રકારની બોગસ કામગીરી દર્શાવીને વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ અને જિલ્લા મથકે સફાઈ અભિયાન સફળ રહ્યું હોવાનો રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો.

Rajula photo session controversy

બસ સ્ટેન્ડ અને મુખ્ય બજારમાં ગંદકીના ઢગલા યથાવત, સ્થાનિકોમાં ભારે આક્રોશ

બીજી તરફ, રાજુલા શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર અને વિવિધ નિચાણવાળા રહીશોના વિસ્તારોમાં જ્યાં ખરેખર સફાઈ અને પબ્લિક હાઈજીનની જરૂરિયાત છે, ત્યાં ગંદકીના ખડકાયેલા ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. જે જગ્યાઓએ તંત્રના દ્રષ્ટિપાતની તાતી જરૂર છે તેને બાજુ પર મૂકીને માત્ર પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં નાટક રચવામાં આવતાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. લોકોએ માગ કરી છે કે કાગળ પર રિપોર્ટિંગ કરવાને બદલે તંત્ર દ્વારા શહેરના જાહેર સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને ખરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે.

આ પણ વાંચો : Ahmedabadના વટવામાં લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્રો બન્યા જાનના દુશ્મન, બે ભાઈઓ પર ચાર શખ્સોનો હિચકારો હુમલો