અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં સાબરમતીથી ઉપડેલી અને વેરાવળ જતી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની એક ગંભીર ઘટના સામે આવી છે. લાઠી અને ખીજડીયા રેલવે સ્ટેશન વચ્ચેથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ટ્રેન પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રેનના આગળના કાચ પર પથ્થર વાગતાં કાચ ફૂટી ગયો હતો.આ અચાનક થયેલી અણબનાવની ઘટનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈપણ મુસાફર કે રેલવે સ્ટાફને ઈજા પહોંચી નથી.બનાવ બાદ ટ્રેનને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી.
કડક કાનૂની કાર્યવાહી કરવાની બાંહેધરી
આ ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ,રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો તુરંત જ લાઠી-ખીજડીયા વચ્ચેના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.રેલવે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ અસામાજિક કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે રેલવે ટ્રેક આસપાસના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે.દેશની પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત પર ગુજરાતમાં પથ્થરમારાની આ પહેલી ઘટના નથી.તાજેતરના સમયમાં પણ આવી જ કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.લાઠી પંથકની આ ઘટનામાં પણ દોષિતો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની બાંહેધરી રેલવે અધિકારીઓએ આપી છે.
