અમરેલીના સાવરકુંડલામાં તાજેતરમાં કિન્નરો દ્વારા વેપારીઓ પાસે બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણીનો મામલો સામે આવ્યો છે. નવરાત્રીના તહેવારનું બહાનું કાઢીને કિન્નરોની એક ટોળકીએ મહુવા રોડ પર આવેલી દુકાનોમાં ઘૂસીને પ્રત્યેક દુકાનદાર પાસેથી રૂ. 2-2 હજારની રકમની માંગણી કરી હતી. જેના કારણે ભારે બબાલ મચી ગઈ હતી. આ કિન્નર ટોળકીએ ચેક ફાટકથી બસ સ્ટેશન સુધીના તમામ વેપારીઓ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા વસૂલ્યા હોવાનું જાણવા મળ્યું છે.


વેપારીઓ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા વસૂલ્યા

જ્યારે કોઈ દુકાનદારે રૂપિયા આપવાની ના પાડી ત્યારે કિન્નરો અશોભનીય અને અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યા હતા. દુકાનોમાં ઘૂસીને વેપારીઓને ધક્કે ચડાવવાના અને અશ્લીલ ચેષ્ટાઓ કરવાના આ વીડિયો CCTV કેમેરામાં કેદ થયા હતા અને હાલમાં તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે આ ઘટના ત્રણ દિવસ પહેલાંની હોવાનું કહેવાય છે. કિન્નરોના આ ત્રાસથી રોષે ભરાયેલા મહુવા રોડના તમામ વેપારીઓ અને દુકાનદારો એકઠા થયા હતા.

મહુવા રોડ પર વેપારીઓએ કિન્નરોની કરી ધોલાઈ

વેપારીઓએ એકજૂથ થઈને આ કિન્નર ટોળકીને મેથીપાક ચખાડ્યો હતો. જેના કારણે કિન્નરો ભરેલા રોડ પર ભાગાભાગી કરવા મજબૂર બન્યા હતા. કિન્નરો માર ખાઈને ભાગી રહ્યા હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. જેને કારણે લોકોમાં રમૂજ પણ ફેલાઈ છે. આ ઘટના બાદ પોલીસે આ પ્રકારની બળજબરીપૂર્વક ઉઘરાણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: