અમરેલીના ધારી તાલુકાના ગઢીયા ગામમાં આવેલી દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ પર ગંભીર હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. ગઈ કાલે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ મહંત પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હર્ષદ બાપુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ મહંતની હાલત નાજુક જણાતાં તેમને તાત્કાલિક ધારીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ વધુ સારવારની જરૂર જણાતા તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ધારીના ગઢીયામાં હર્ષદ બાપુ પર થયો હતો હુમલો
જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ હુમલાના સંદર્ભમાં હુમલો કરનારા સંભવિત શખ્સો દ્વારા મહંતને ધમકી આપવામાં આવી રહી હોય તેવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક શખ્સો મહંત હર્ષદ બાપુને ધમકાવતા અને વિવાદિત વાતો કરતા નજરે પડે છે. આ વાયરલ વીડિયોને હુમલાખોરોની ઓળખ માટે એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ગઢીયા ગામે અને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.













