આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં આજે સામાન્ય સભા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે છૂટાહાથની મારામારી થતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના પાલિકાની લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય તંગદિલીનો ભાગ હતો. આ મારામારીનું મુખ્ય કારણ આઈટમ નંબર 4 પર હાઈકોર્ટે આપેલો સ્ટે હોવાનું મનાઈ રહ્યું છે. આ આઈટમનો સંબંધ 8 કાઉન્સિલરોના રાજીનામાના વિવાદ સાથે હતો. જે મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
ઘણા સમયથી રાજકીય વિવાદોમાં ઘેરાયેલી હતી ખંભાત નગરપાલિકા
કોર્ટે આ મામલે સ્ટે આપતા આ મુદ્દો સામાન્ય સભામાં વધુ ઉગ્ર બન્યો હતો. ખંભાત નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદોમાં ઘેરાયેલી છે. 8 કાઉન્સિલરોના રાજીનામા અને તેના પરનો કોર્ટનો સ્ટે આ વિવાદોમાં વધુ એક ઉમેરો છે. આ મામલાને લઈને જ ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.
નગરપાલિકામાં મારામારીની ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ
પ્રજાના હિતના કાર્યો કરવાને બદલે પાલિકાના સભ્યો દ્વારા આ પ્રકારે જાહેરમાં મારામારી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું હતું કે નેતાઓ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય અહમને કારણે પાલિકાના કામોને અટકાવી રહ્યા છે. આ ઘટનાએ પાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.