ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-જીસીએમએમએફ દ્વારા છેલ્લા છ માસમાં અમૂલ બ્રાન્ડના વિવિધ પેકિંગના દૂધમાં 2 રૂપિયાથી 4 રૂપિયાનો વધારો કરાયો છે. 12મી નવેમ્બરથી દૂધની તમામ વેરાયટી અમૂલ તાજા, અમૂલ શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટરે 2થી 4 રૂપિયાનો વધારો ઝીંક્યો છે.જેમાં પ્રથમ વખત સૌથી વધુ અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે 4 રૂપિયાનો વધારો કરતા અમૂલ ગોલ્ડના પ્રતિ લિટરે 74 રૂપિયા વસૂલાશે.ત્યારે દૂધના ભાવ વધાર્યા બાદ અમૂલ મસ્તી દહીં અને અમૂલ પ્રોબાયોટિક રોઝ લસ્સીના વિવિધ પેકિંગમાં 2થી 5 રૂપિયાનો વધારો 14મી નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. અમૂલના ઘીના ભાવોમાં પણ દિવાળી પૂર્વે વધારો કરાયો હતો.હવે છાશના ભાવમાં ઘટાડો કર્યા વિના ચૂપચાપ પેકિંગની માત્રા ઘટાડી દેવામાં આવી છે. 

ભાવ વધારો

ગુપચુપ રીતે પેકમાંથી માત્રાનો કર્યો ઘટાડો

અમૂલ ડેરી દ્વારા ગ્રાહકોની જાણ બહાર જ ખિસ્સા પર કાતર ફેરવવામાં આવી છે. ગરીબો માટેની છાસમાં ગુપચુપ રીતે પેકમાંથી માત્રાનો કર્યો ઘટાડો કર્યો છે.છાશના ભાવ યથાવત રાખી માત્રામાં ઘટાડો કર્યો છે. સામાન્ય અને મધ્યમવર્ગ તેમજ ગરીબ પરિવારો માટે ડેરી પેદાશોના વધેલા ભાવો મર્યાદિત આવકમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે.દૂધ,દહીં,લસ્સી,ઘી,બટરના ભાવોમાં વધારો કરાયા બાદ અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં પણ વધારો કરાશે.

અમૂલ દૂઘ ભાવ વધારો

અમૂલ બ્રાન્ડના દૂધની તમામ પ્રોડક્ટ્સમાં ભાવ વધારો

અમૂલ મસ્તી દહીં 1 કિલો પેકિંગનો જૂનો ભાવ 80 રૂપિયા હતો તેમાં 5 રૂપિયાનો વધારો કરતા હવે 85 રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલાશે.અમૂલ મસ્તી દહીં 380 ગ્રામ પેકિંગના 35 રૂપિયા હતા.તેમાં 2 રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 37 રૂપિયા લાગુ કરાયો છે.અમૂલ મસ્તી દહીં બકેટ 2 કિલોના 115 રૂપિયા હતા.તેમાં 5 રૂપિયાનો વધારો કરતા 120 રૂપિયા ચૂકવવા પડશે.અમૂલ પ્રોબાયોટિક રોઝ લસ્સીના 15 રૂપિયાના સ્થાને 17 રૂપિયા એટલે કે 2 રૂપિયાનો વધારો કરાયો છે.

અમૂલ ઘી

ભાવવધારાના કારણે ચાની ચૂસકી પણ મોંઘી બની

છેલ્લા કેટલાક સમયથી અમૂલ બ્રાન્ડના દૂધની તમામ પ્રોડક્ટ્સમાં સતત વધતા જતા ભાવો અને તેમાં પણ ખાસ કરીને દૈનિક વપરાતા દૂધના ભાવોમાં કરાતા ભાવવધારાએ લોકોનું બજેટ ખોરવ્યું છે.દૂધના ભાવવધારાના કારણે ચાની ચૂસકી પણ મોંઘી બની છે. જોકે સતત ભાવવધારા માટે લીલા-સૂકા ઘાસચારાના ભાવમાં તેમજ પશુઆહાર માટે વપરાતી ખોળ,મકાઈ અને મોલાસીસ જેવી સામગ્રીના ભાવોમાં નોંધપાત્ર વધારો થતા તેમજ દૂધના પેકિંગ માટે વપરાતી ફિલ્મ અને ઇંધણના ખર્ચમાં વધારો થવાના કારણે ડેરી પેદાશોના ભાવોમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાનું ફેડરેશને જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Surat: યુપી અને બિહાર જતા પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 15 અને 16 નવેમ્બરે વધારાની 6 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે