આંકલાવ શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા નગરપાલિકાની સંયુક્ત ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક કરાયેલી કાર્યવાહી દરમિયાન શહેરની 5 જેટલી જાણીતી હોટલો અને ખાણીપીણીના સ્થળો પર સઘન તપાસ કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા હોટલોમાં રસોડાની સ્થિતિ, વપરાતા મસાલા, તેલ અને અન્ય ખાદ્યસામગ્રીની ગુણવત્તાની ઝીણવટપૂર્વક ચકાસણી કરાઈ હતી.

બે હોટલ સીલ અને સ્વચ્છતા મુદ્દે નોટિસ ફટકારાઈ

તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું અનાદર કરતી હોટલો સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા. વૈધ લાઈસન્સ વિના ગેરકાયદેસર રીતે ધમધમતી 'જ્વાલા ચાઈનીઝ' અને 'આશીર્વાદ હોટલ'ને અધિકારીઓ દ્વારા સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, 'શિવ શક્તિ હોટલ'માં અસ્વચ્છતા માલૂમ પડતાં સંચાલકને તાત્કાલિક ધોરણે સ્વચ્છતા સુધારવા માટે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

લેબ ટેસ્ટિંગ માટે પનીરના સેમ્પલ લેવાયા

કાર્યવાહી દરમિયાન ટીમ દ્વારા હોટલોમાં ઉપયોગમાં લેવાતા પનીરના શંકાસ્પદ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સેમ્પલને વધુ પૃથ્થકરણ અને ભેળસેળની તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ અચાનક કડક કાર્યવાહીના કારણે સમગ્ર આંકલાવ શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....