આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને કારણે લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવા માટે વહીવટી તંત્ર પણ હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે.ભારે વરસાદને પગલે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.વરસાદને પગલે કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 

આણંદ અને પેટલાદમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ

તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.બોરસદમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ખંભાતમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદ અને પેટલાદમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.સોજિત્રા અને તારાપુરમાં પણ મેઘમહેર જોવા મળી છે, જ્યારે ઉમરેઠ અને આંકલાવમાં નોંધપાત્ર વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં રેડ એલર્ટ વચ્ચે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું 

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળા કે પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયાં છે.  

આ પણ વાંચોઃ Ahmedabad: ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નરોડા, હંસપુરા અને કૃષ્ણનગરમાં વરસાદ શરૂ