પેટલાદ તાલુકાના અગાસ-બોરીયા ગામના એક યુવક દ્વારા 25 વર્ષીય દલિત યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અગાસ-બોરીયા ગામમાં રહેતા મુસ્તાક અજીત મહીડાએ મે 2025થી આજદિન સુધી ભોગ બનનાર યુવતીને લગ્ન કરવાની લાલચ આપી મીઠી-મીઠી વાતો કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ તકનો લાભ ઉઠાવી યુવતીના ઘરે જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લગ્નના વચનથી ફરી જઈ અન્ય યુવતી સાથે સગાઈ કરી જાતિવાચક અપમાન કર્યું
આરોપી મુસ્તાક મહીડાએ યુવતીને આપેલા લગ્નના વચનથી ફરી જઈને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આટલું જ નહીં, આરોપીએ ભોગ બનનાર યુવતીને જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત પણ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી ન્યાય માટે પોલીસનો સહારો લીધો હતો.
