આણંદ જિલ્લાના તારાપુર પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. તારાપુરના મોરજ ગામ ખાતે આવેલ ગો-ગેસ રિફિલ પ્લાન્ટમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડતા હોવાની બાબત સામે આવતા તારાપુર પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. તારાપુર પોલીસના અચાનક ચેકિંગ દરમિયાન આ પ્લાન્ટમાં ફાયર સેફ્ટી અને કર્મચારીઓની સુરક્ષા બાબતે ગંભીર ક્ષતિઓ અને બેદરકારી ધ્યાને આવી હતી. લોકોના જાનમાલ સાથે ચેડા કરતા આ જોખમી પ્લાન્ટને તારાપુર પોલીસે ત્વરિત ધોરણે બંધ કરાવીને સત્તાવાર રીતે પુરવઠા વિભાગને તેની જાણ કરી દીધી છે.
12 કર્મચારીઓ વિના સેફ્ટીએ કામ કરતા હતા
પ્રાપ્ત વિગતો મુજબ, આ પ્લાન્ટ 'કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડ' ના નામે રજિસ્ટર્ડ થયેલો છે, જ્યાં ઔદ્યોગિક અને ઘર વપરાશના સિલિન્ડરોની રિફિલિંગ કરવામાં આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે સ્થળ પર 12 જેટલા કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો કે સુરક્ષા કવચ વિના જોખમી કામ કરી રહ્યા હતા. એટલું જ નહીં, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્લાન્ટમાં રાખેલા ફાયર રિફિલ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ એક્સપાયર (મુદત વીતી ગયેલા) થઈ ગયા હતા, જે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપવા માટે પૂરતા હતા.
