સાબરકાંઠા જિલ્લામાંથી સામાજિક સમરસતાને ડહોળતી એક ગંભીર ઘટના સામે આવી છે. ઇડર તાલુકાના ડુંગરી ગામે દલિત અને પટેલ સમાજ વચ્ચે મરણ પ્રસંગે ઉપયોગમાં લેવાતા નાવણિયા (નાહવાની જગ્યા) ના મામલે ભારે બબાલ સર્જાઈ હતી. સામાન્ય રીતે ગામમાં દલિત સમાજમાં મરણ પ્રસંગે મહિલાઓ સ્નાન કરવા માટે જતી હોય છે, પરંતુ આ નાવણિયાના ઉપયોગ અને તેના પરના માલિકી કે કબજાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો હતો. વાત એટલી વધી ગઈ કે બંને સમાજો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટનાને કારણે આખા ગામમાં ભારે અફરાતફરી તથા ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પટેલ સમાજ દ્વારા તાળા તોડવાના આક્ષેપ

પ્રાપ્ત વિગતો અનુસાર, પટેલ સમાજ દ્વારા નાવણિયાના તાળા તોડી નાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો. આ ધીંગાણા દરમિયાન થયેલા પથ્થરમારામાં દલિત સમાજના બે વ્યક્તિઓ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા સંભાળવા પહોંચેલા એક પોલીસ કર્મી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક ફાટી નીકળેલી આ હિંસાના કારણે ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી અને ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ગામમાં પોલીસ બળ તૈનાત

અકસ્માત અને હિંસાની આ ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવતા તમામ ઘાયલોને સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગામમાં સમાજદીઠ નાવણિયા બનેલા હોવા છતાં આ પ્રકારે નાની બાબતમાં મોટો વિવાદ થવો ચિંતાનો વિષય બન્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને બંને પક્ષોમાંથી શાંતિ જાળવવા તેમજ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Bopal Hit And Run Case : નશામાં હતો કે કેમ? બ્લડ ટેસ્ટના ખુલાસા વિના જ જામીન મળતા પોલીસની કામગીરી સામે સવાલો...