તમે નેતાજીવાળો જોક્સ સાંભળ્યો હશે, તો અહેવાલની હેડલાઈન વાંચ્યા બાદ એ યાદ આવી ગયો હશે. જો ન સાંભળ્યો હોય તો એ જોક્સ એવો છે કે, ચૂંટણી સમયે એક ગામમાં નેતાજી આવે છે, તેમની સમક્ષ ગ્રામજનો પોતાની સમસ્યા જણાવે છે. તેમાં પહેલી સમસ્યા જણાવતા ગામના લોકો કહે છે કે, તમે અમારા ગામમાં દવાખાનું બનાવી આપો. જે બાદ નેતા ફોન કાઢે છે અને ફોન પર બોલે છે, આ ગામમાં એક હોસ્પિટલ બની જવી જોઈએ, આ કામ તાત્કાલિક કરો. ફોન મુકીને નેતા પૂછે છે બીજી સમસ્યા જણાવો?
જે બાદ ગામના લોકો રોષથી જોતા તેમને કહે છે, 'ગામમાં નેટવર્ક જ નથી આવતું...'. આ તો થઈ જોક્સની વાત પણ હકીકતમાં કોઈ કહે કે અમારા ગામમાં નેટવર્ક નથી આવતું તો? આવી જ સમસ્યા આજે પણ એક ગામમાં જોવા મળી રહી છે. આજના ડિજીટલ જમાના અને AI ની વાતો વચ્ચે આણંદ જિલ્લાનું એક ગામ સંપર્ક વિહોણું છે.
તારાપુરના વાળંદપુરા ગામમાં જો કઈને ફોન કરવો હોય, તો તેમને સીમાડે સુધી કે ઉંચી જગ્યા સુધી જવું પડે છે. આ ગામમાં લોકોને ફોન પર વાત કરવા માટે પાણીની ટાંકી પર પણ ચડવું પડે છે. આ દ્રશ્યો શોલે ફિલ્મના વિરુની યાદ અપાવે છે. નેટવર્કની સમસ્યાનું સમાધાન ન મળતા લોકો હવે સરકારને 'ઠાકુર' ગણાવી રહ્યા છે.
આજના આધુનિક સમયમાં જ્યાં દુનિયા 5G, 6G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરી રહી છે, ત્યાં આણંદ જિલ્લાનું તારાપુર તાલુકાનું વાળંદાપુરા ગામ ડિજિટલ યુગની હકીકતથી કેટલું દૂર છે, તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ગામમાં અંદાજે 3,000ની વસ્તી સામે લગભગ 5,000 જેટલા મોબાઇલ ફોન હોવાનો દાવો છતાં, નેટવર્કના બે ટપકાં જોવા માટે પણ લોકોએ તરસવું પડે તેવી સ્થિતિ છે.

વાતચીત માટે ગામના સીમાડે કે હાઈવે સુધી જવાની મજબૂરી
વાળંદપુરા ગામમાં સિગ્નલ ન મળવાને કારણે ગ્રામજનોએ કોઈની સાથે ફોન પર વાત કરવી હોય તો ઘર છોડીને ગામના પાદરે, સીમાડા પર કે હાઈવે સુધી જવું પડે છે. ફોન આવે ત્યારે પહેલા પૂછવું પડે કે "તમે ક્યાં છો?" અને સામેથી જવાબ મળે કે "ઘરે છું, તો બહાર આવો અહીં નેટવર્ક નથી!" મોબાઇલો હવે માત્ર કેમેરા કે ઘડિયાળ બનીને રહી ગયા છે.

ઇમરજન્સી ટાણે મુશ્કેલી અને રિચાર્જ નકામા સાબિત થયા
સૌથી મોટો પ્રશ્ન કટોકટી કે કટોકટીના સમયનો છે. જો ગામમાં કોઈ બીમાર પડે, અકસ્માત થાય કે આગ લાગે ત્યારે પોલીસ કે 108 એમ્બ્યુલન્સને ફોન કરવો હોય તો પહેલા નેટવર્ક શોધવું કે મદદ માંગવી તે મોટો સવાલ છે. નેટવર્ક ન હોવાથી લોકોએ રિચાર્જ કરાવવાનું પણ બંધ કરી દીધું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મોંઘા ફોન હોવા છતાં ઓનલાઈન પેમેન્ટ કે વાતચીત થઈ શકતી નથી.
https://www.instagram.com/reel/Dd59_haiFh5/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==
ગ્રામજનોના રોષપૂર્ણ નિવેદનો
એક ગ્રામજન મનુભાઈ ચૌહાણ જણાવે છે કે, મોંઘા ફોન છે પણ નેટવર્ક નથી, નેટવર્ક માટે ટાંકી પર ચઢવું પડે છે અને કંટાળીને હવે રિચાર્જ કરાવવાનું પણ બંધ કરી દીધું છે. જ્યારે અન્ય ગ્રામજન રાજારામ સાધુએ જણાવ્યું કે, ચાલીસ હજારનો ફોન છતાં ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે શું કરવાનું? સરકાર કાં તો નેટવર્ક આપે અથવા અમારા રિચાર્જના પૈસા પાછા આપે.

ગ્રામજનો આ સમસ્યામાંથી મુક્તિ ઈચ્છે છે. તેઓ જણાવે છે કે, મોબાઇલની સંખ્યા ગામમાં હજારોમાં પહોંચી ગઈ છે, વાળંદાપુરાને પણ મજબૂત મોબાઇલ કનેક્ટિવિટી આપો. કારણ કે “હેલો” કહેવા માટે ગામની બહાર જવું પડે, એ ડિજિટલ યુગની ગંભીર વિસંગતતા છે. આ સાથે તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી સાથે રિચાર્જના પૈસા પરત કરવા સુધીની માંગણી કરી છે.
આ પણ વાંચો: Explainer Kalpasar Project: ભૂતકાળ બની જશે દુષ્કાળ! કલ્પસર પ્રોજેક્ટથી 10 વર્ષ પછી...