ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર તક્તિનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા.


આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ

મંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સમાજના બંધુઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું. તેમણે આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા. તેમણે કહ્યું હતું કે, આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ છે.આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું.

29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા

આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા.આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રીહર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી.

આ પરિવારોની આ ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન પણ છે

આ પરિવારોની આ ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન પણ છે.બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી.ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી હતી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.


  • Follow us on: