ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનેક પ્રકારની ગેરરીતિઓની અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ ચૂંટાયેલા સત્તાધીશો અને માર્કેટના અધિકારીઓની મિલીભગતથી સરકારને ચૂનો લગાડવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે.ત્યારે હમણાં એક વેપારીનો ખળભળાટ મચાવી દે તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોના કારણે માર્કેટમાં પેઢી ધરાવતા અને GSTની ચોરી કરનાર અનેક વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે સાથે માર્કેટના સંડોવાયેલ અધિકારીઓ પણ પોતાના બચાવમાં દોડધામ શરૂ કરી છે.આ વીડિયોમાં 500 કરોડનું GST કૌભાંડ થયું હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. 

ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજુરી આપી હતી

વર્ષ 2025-26 માં બીજા રાજ્યોમાંથી મગફળી ખરીદી ખેડૂતોના રોકડા પૈસા આપી અને એ બિલોનો વહીવટ બારોબાર કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તા 5 મે 2025થી 31 જૂન 2026 સુધી આ બિલોનો વહીવટ થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.ચોમાસુ મગફળીમાં આનો વહીવટ થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.હાલમાં હરાજીમાં ખરીદી કરીને વેપારીઓ ખેડૂતોને રોકડા પૈસા આપી દેતા હોય છે અને તેના બિલો અન્ય રાજ્યોમાંથી આવેલા બિલો જે ડીસામાંથી ખરીદી કરતા વેપારીઓને બારોબાર પકડાવી દેતા હોય છે. જેનાથી રાજ્યને GSTનું મોટું નુકસાન થઈ રહ્યું છે.વર્ષ 2025-26 માં ગુજકોમાસોલ દ્વારા વિવિધ મંડળીઓને ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજુરી આપી હતી.

GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો 

તેમાં પણ વેપારીઓ અને મંડળીના સંચાલકો ભેગા મળી અન્ય રાજ્યોમાંથી મગફળી લાવી અને હલકી ગુણવત્તાની મગફળી ભરાવી સરકારને નુકસાન કરાવવાનું કામ કર્યું છે. હાલમાં પણ મગફળીની ખરીદી બિલોથી થતી નથી.માત્ર પાંચ ટકા જ વેપારીઓ બિલથી વ્યવહાર કરી રહ્યા છે.બાકીના વેપારીઓ સરકારને નુકસાન કરાવવાનું કામ કરી રહ્યા છે.કેટલીક પેઢીઓના નામ ન આપવાની સાથે જણાવ્યું હતું કે, અગાઉ ખરીદેલી મગફળીનું હવે વેચાણ બતાવી અને પાકા બિલો બનાવવાનું શરૂ કરી દીધેલ છે અને GSTની સરકારને નુકસાન કરાવવાનું કામ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.GST બાબતે સરકારે નોંધ લેવી જરૂરી છે તેવું આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે. આ વીડિયો પાંચ દિવસથી માર્કેટના વેપારીઓના ગ્રુપોમાં ફરી રહ્યો છે જેના કારણે GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

વેપારીને દબાવવાના પ્રયાસ થયાની લોકોમાં ચર્ચા

વીડિયો વાયરલ કરનાર વેપારીને હવે કેટલાક વેપારીઓ અને માર્કેટના સત્તાધીશો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના મોબાઈલમાંથી આ વીડિયો ડીલીટ કરાવવાની સાથે માર્કેટના વેપારીઓને પણ આ વીડિયો ક્યાંય જાય નહીં તે માટે ડીલીટ કરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.પરંતુ સંદેશના પ્રતિનિધિ પાસે આ વીડિયો પહોંચતા જ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને મીડિયા સુધી આ વાત ન પહોંચે તે માટે તમામ પ્રયાસો કરી દેવામાં આવ્યા હતા.જોકે હાલમાં વીડિયો વાયરલ કરનાર વેપારીને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા રહી છે.

આ પણ વાંચોઃ Mahuva: માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો, 66 નંબરના સીધા ₹2,260 બોલાયા!