બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક નેશનલ હાઇવે પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે કાર ચાલકનો સમયસર બચાવ થતાં કોઈ મોટી જાનહાનિ ટળી છે. કાર ચાલક રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યો હતો. ત્યારે અમીરગઢ નજીક તેની કારના ટાયરમાં પંચર પડ્યું અથવા ટાયર ફાટી ગયું હતું.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કાર ચાલકે જણાવ્યું હતું કે ટાયર ફાટ્યા બાદ ગણતરીની ક્ષણોમાં જ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતાં તેનો સદનસીબે બચાવ થયો હતો. જોકે આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી કાર બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી.













