બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે.પાલનપુર નજીક આવેલા આબુ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસાની સીઝનમાં અયોગ્ય રીતે સ્ક્રેપિંગ કામગીરી કરવાને કારણે સમગ્ર હાઈવે પર મોટા મોટા ખાડા પડી ગયા છે.રાષ્ટ્રીય રાજમાર્ગની સ્થિતિ ગ્રામીણ રસ્તાઓ કરતાં પણ વધુ ખરાબ અને બિસ્માર બની જતાં NHAI ની બેદરકારી સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અનેક રોડ-રસ્તાઓનું ધોવાણ થઈ ગયું
ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અકસ્માતની મોટી ભીતિ સેવાઈ રહી છે અને વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.બનાસકાંઠા જિલ્લામાં પૂર અને વરસાદી પાણીના તીવ્ર પ્રવાહના કારણે અનેક રોડ-રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના વિઠોદર ગામે શાળા તરફ જતો મુખ્ય માર્ગ જ પાણીના પ્રવાહમાં ધોવાઈને તૂટી ગયો છે. શાળાએ જવાનો માર્ગ જ બંધ થઈ જતાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેવાની નોબત આવી છે, જ્યારે બીજી તરફ માર્ગ તૂટવાના કારણે ગ્રામજનોની અવરજવર પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
