ગુજરાતના વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યક્રમો અને માળખાકીય કામગીરી વચ્ચે આ વર્ષે ભાદરવી કુંભ મેળો યોજાશે કે નહીં, તે અંગે લાખો માઈભક્તોમાં ભારે સવાલો ઉભા થઈ રહ્યા હતાં. આ આતુરતાનો હવે અંત આવ્યો છે અંબાજી ખાતે જગતજનની માં અંબાના ભાદરવી મહાકુંભનું ભવ્ય આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે પદયાત્રીઓ અને માઈભક્તોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી છે.આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મહાકુંભના સુચારુ આયોજન માટે આજે પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. 

સરકારી વિભાગોને જરૂરી દિશાનિર્દેશો અપાયા

પાલનપુર ખાતે મળેલી આ બેઠકમાં મહાકુંભ દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પીવાના પાણી અને રહેવાની વ્યવસ્થા જેવા વિવિધ પાસાઓ પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.અંબાજીના મહાકુંભમાં દેશ-વિદેશથી પધારતા લાખો દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું અને સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. દર્શન, પ્રસાદ અને સેવા શિબિરોની સુવિધા સુચારુ રૂપે મળી રહે તે માટે વિવિધ સરકારી વિભાગોને જરૂરી દિશાનિર્દેશો આપીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગબ્બર રોપ-વે સેવા આગામી 21 થી 24 જુલાઈ સુધી બંધ

અંબાજી ખાતે આવેલા પ્રસિદ્ધ ગબ્બર પર દર્શનાર્થે જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગબ્બર રોપ-વે સેવા આગામી 21 થી 24 જુલાઈ સુધી ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રોપ-વેના વાર્ષિક મેઈન્ટેનન્સ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી સુવિધાઓની સુરક્ષા અને જાળવણીના ભાગરૂપે આ સેવા કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન માઈભક્તો પગથિયાં ચડીને માતાજીના અખંડ જ્યોતના દર્શન કરી શકશે. મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 25 જુલાઈથી રોપ-વે સેવા ફરી રાબેતા મુજબ ધમધમતી થઈ જશે.


આ પણ વાંચોઃ CJP Protest 2026 : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓની કરાઈ અટકાયત