દિલ્હીમાં NEET મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સોમવારે જંતર-મંતર પર થયેલા ભારે હંગામા બાદ દિલ્હી પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો હતો. જોકે મોડી રાત્રે ફરીથી કેટલાક પ્રદર્શનકારીઓ ત્યાં એકત્ર થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શનને રોકવામાં નહીં આવે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
PM આવાસની બહાર રાહુલ ગાંધીના ધરણા
મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાર્ટીના અન્ય નેતાઓ સાથે વડાપ્રધાન આવાસની બહાર ધરણા પર બેઠા. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ રાહુલ ગાંધીએ સરકારની રજૂઆત સ્વીકારી નહોતી. દિલ્હી પોલીસે તેમને જંતર-મંતર પર જઈને પ્રદર્શન કરવાની વિનંતી કરી હતી, જેને તેમણે નકારી દીધી હતી.
અખિલેશ યાદવને પોલીસે કસ્ટડીમાં લીધા
કોંગ્રેસના ધરણાને સમર્થન આપવા પહોંચેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને પોલીસે કસ્ટડીમાં લીધા, બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ધરણા સ્થળ પરથી કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સરકાર તરફથી કોંગ્રેસને સંસદમાં NEET મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પોતાની માગ પર અડગ રહી હતી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાથી કરી આ અપીલ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને વડાપ્રધાન આવાસ બહાર ચાલી રહેલા ધરણામાં જોડાવાની અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને દેશના દરેક પરિવાર પર હુમલો ગણાવ્યો હતો. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે સરકાર સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યા બાદ પણ રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામાની નવી માગ કરી હતી. તેમણે રાહુલ ગાંધીના વલણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
આ પણ વાંચો : NEET Protest 2026: 'ચલો સંસદ માર્ચ' દરમિયાન ધરપકડ કરાયેલા યુવાનોને કોંગ્રેસ આપશે વકીલ