અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ ૨૭ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. ૭૦૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે.
આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે
જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે.કે.ચૌધરીએ જણાવ્યું કે, ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ ૬૫૧ ઘાણ પ્રસાદ તૈયાર કરાઈ છે. ૮૦ ગ્રામના કુલ ૨૫ લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહા મેળાનો આજે ચોથો દિવસ છે અને માઁ અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યારસુધી ૧૧ લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે. તમામ માઇભક્તોને માઁ અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પુરતી વ્યવસ્થા કરાઈ છે. ૭૦૦ થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે.













