અંબાજી મહાકુંભ દરમિયાન દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળના પ્રસાદની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે મેળા દરમિયાન માઇભક્તો માટે અંદાજે 40 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટ તૈયાર કરવાનું વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.આ ભવ્ય આયોજનને પહોંચી વળવા માટે સમગ્ર મેળા દરમિયાન મોહનથાળના 1000 જેટલા વિશાળ ઘાણ તૈયાર કરવામાં આવશે.

સામગ્રીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું 

​મોહનથાળ પ્રસાદની ગુણવત્તા અને સ્વાદ જળવાઈ રહે તે માટે સામગ્રીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.મોહનથાળના માત્ર એક ઘાણની વાત કરીએ તો તેમાં 100 કિલો ખાંડ,200 કિલો બેસન, 76.5 કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે.શુદ્ધ દેશી ઘી અને ઉત્તમ સામગ્રીના મિશ્રણથી તૈયાર થતો આ પ્રસાદ ભક્તો માટે અંબાજીના દર્શન જેટલો જ પવિત્ર અનુભવ બની રહે છે.

અદ્ભુત ગુણવત્તા અને ટકાવ ક્ષમતા

આ મોહનથાળ‌‌ પ્રસાદની સૌથી મોટી ખાસિયત તેની અદ્ભુત ગુણવત્તા અને ટકાવ ક્ષમતા છે. પ્રસાદ લાંબા સમય સુધી સારો, તાજો અને ગુણવત્તાયુક્ત ટકી રહે તે માટે બનાવટ દરમિયાન તેમાં દૂધનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દૂધને બદલે શુદ્ધ દેશી ઘીનો વિશેષ અને પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરીને પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતા અકબંધ રાખવામાં આવે છે, જેથી દૂર-દૂરથી આવેલા ભક્તો પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી પ્રસાદ ઉત્તમ સ્થિતિમાં રહે.

29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી

જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. 

5 હજાર જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે

જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે,અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે 2000 સફાઈ મિત્રો અને 135 થી 150 ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે.5 હજાર જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે.ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે.ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. 

આ પણ વાંચોઃ Vadnagar News : વિપક્ષ નેતા રોકીને બેઠા છે પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ