કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે,હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તેમણે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.આ અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિરથી કાશી વિશ્વનાથ મંદિર સુધીની એક વિશેષ બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કુલ 600 બાઈકર્સ 7 રાજ્યોમાંથી પસાર થઈને વારાણસી પહોંચશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ ભલે બીલ રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ કોઈપણ સંજોગોમાં આવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. 

પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા

અમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે,દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સીએમ અને પીએમ તરીકે સતત 25 વર્ષ સુધી સત્તામાં રહેનારા તેઓ દેશના એકમાત્ર નેતા છે.જેમણે પોતાના આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધા વગર દેશસેવામાં જીવન વિતાવ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે,25 વર્ષના આ જાહેર જીવનમાં વિપક્ષ પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કે દાગ લગાવી શક્યો નથી.

દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,પીએમ મોદીએ માત્ર સખત પરિશ્રમ જ નથી કર્યો પરંતુ દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું છે.સામાન્ય ગરીબ પરિવારમાં અને ગરીબી વચ્ચે બાળપણ વિતાવનાર નરેન્દ્ર મોદીએ કોઈ પણ જાતિ કે રાજકીય બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર ધ્રુવના તારાની જેમ પ્રગતિ કરી છે. તેમણે આખા સમાજના સરખા વિકાસ માટે કામ કરીને માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને 80 કરોડ લોકોને મફત અનાજ તથા ઘરની સુવિધા પૂરી પાડી છે જેને દેશ હંમેશાં યાદ રાખશે.

આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દુનિયાના દેશો ભારતને નગણ્ય ગણતા હતા.પરંતુ આજે ભારત વિશ્વ માટે એક મજબૂત વિકલ્પ બન્યું છે. આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું,પરંતુ તેના મૂળમાં નરેન્દ્રભાઈની 25 વર્ષની સનિષ્ઠ જનસાધના રહેલી છે.જેમણે હંમેશાં સત્તાને સેવાગિરીનું માધ્યમ બનાવીને દેશમાંથી નક્સલવાદનો સફાયો કર્યો છે.આ સાથે જ પીએમ મોદીનું વડનગર આજે વિરાસતથી વિકાસનું એક રોલ મોડેલ બન્યું છે.જ્યાં તેમની યાદગીરી અને ઇતિહાસને ઉજાગર કરતું સંગ્રહાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી