બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભવ્ય અને એકચક્રી વિજય મેળવ્યો છે. ભાજપે થરા નગરપાલિકાની કુલ 19 બેઠકો પર શાનદાર જીત નોંધાવીને પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર થરા શહેરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા ઢોલ-નગારા અને ગુલાલની ઉડામણ સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.
જીત બાદ થરાના બજારોમાં ભગવો લહેરાયો
ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે જ થરા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં કેસરિયો માહોલ છવાઈ ગયો હતો. ભાજપના વિજય સરઘસ દરમિયાન આખા બજારમાં 'જે જે શ્રી રામ' અને 'ભારત માતા કી જય' ના નારા ગૂંજી ઉઠ્યા હતા. વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ વિજય સરઘસનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને નગરપાલિકા પર ભાજપની ભવ્ય વાપસીને વધાવી લીધી હતી.
