બનાસકાંઠા જિલ્લાના વાહનચાલકો અને સમાન જનતા માટે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ગેસ વિતરણ કરતી IRM ગેસ કંપની દ્વારા CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વચ્ચે સસ્તા વિકલ્પ તરીકે CNGનો ઉપયોગ કરતા ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને ખાનગી વાહનમાલિકો માટે આ સતત ભાવવધારો ભારે આર્થિક બોજ સમાન બની રહ્યો છે.
પ્રતિ કિલો રૂ. 4 નો સીધો વધારો, ભાવ વધીને રૂ. 98.94 પહોંચ્યો
કંપની દ્વારા કરવામાં આવેલા આજના ભાવવધારા બાદ બનાસકાંઠા જિલ્લામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4 નો સીધો વધારો અમલી બન્યો છે. આ વધારા સાથે જ અગાઉ પ્રતિ કિલો રૂ. 94.94 ના ભાવે મળતું CNG હવે વધીને રૂ. 98.94 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. ગેસના ભાવો અચાનક રૂ. 100ની ઐતિહાસિક સપાટીની સાવ નજીક પહોંચી જતાં વાહનચાલકોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે.
