ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ વર્ષે નોંધાયેલા અસમાન અને ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા એ એક અત્યંત મહત્વનું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જો જરૂર પડશે તો જે તે વિસ્તારોમાં નિયમાનુસાર સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવા માટે સરકાર સંપૂર્ણપણે તૈયાર છે.

તમામ ઓછા વરસાદવાળા વિસ્તારોનો સર્વે પૂર્ણ

મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યના જે તાલુકાઓ કે વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં સરકારી તંત્ર દ્વારા વ્યાપક સર્વે ની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ ક્ષેત્રોની સમીક્ષા કરી લીધી છે. ખેતી માટે પાણી, પીવાના પાણીની ઉપલબ્ધતા અને ઘાસચારાની સ્થિતિ અંગે તમામ વિભાગો પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી લેવામાં આવ્યા છે જેથી સમયસર યોગ્ય નિર્ણયો લઈ શકાય.

જ્યાં જરૂર ત્યાં પાણી પૂરું પાડવાની ખાતરી

પાણીની અછત ધરાવતા વિસ્તારો અંગે આશ્વાસન આપતાં તેમણે જણાવ્યું કે હાલમાં પણ જ્યાં પણ પાણીની જરૂરિયાત ઊભી થઈ રહી છે, ત્યાં કેનાલ કે પાઈપલાઈન મારફતે પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નાગરિકો કે ખેડૂતોને પીવાના અને પિયતના પાણીની સમસ્યા ન સતાવે તે માટે વહીવટી તંત્રને સતત એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને તમામ જરૂરી આયોજનો પૂરા કરી લેવાયા છે.

આ પણ વાંચો : Rajkotમાં પ્રેમસંબંધમાં બ્લેકમેલિંગ અને લાખોની ઉઘાડપડતથી કંટાળી યુવકનો આપઘાત, યુવરાજ થાપાનું સારવાર દરમિયાન મોત