રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચકચારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. પ્રેમસંબંધમાં સતત થતા બ્લેકમેલિંગ અને આર્થિક શોષણથી કંટાળીને ઝેરી દવા પી લેનાર યુવરાજ થાપા નામના યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત દશેરાના દિવસે યુવરાજે આ આકરું પગલું ભર્યું હતું. યુવકના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

શ્રદ્ધા રાજપૂત અને મેહુલ જેઠવા સામે ગંભીર આક્ષેપ

મૃતક યુવરાજ થાપાના પરિવારજનોએ સંગીન આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેને પ્રેમસંબંધની આડમાં બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. આ બ્લેકમેલિંગના ખેલમાં શ્રદ્ધા રાજપૂત અને મેહુલ જેઠવા નામના વ્યક્તિઓ સામેલ હોવાનો આરોપ લગાવાયો છે. પરિવારના જણાવ્યા મુજબ, આરોપીઓએ યુવરાજ પાસેથી અંદાજે 5 થી 6 લાખ રૂપિયા રોકડા તેમજ મોંઘા દાગીના બળજબરીથી પડાવી લીધા હતા. સતત માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગના કારણે કંટાળીને યુવરાજે પોતાની જિંદગીનો અંત આણ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

નેપાળી સમાજ અને પરિવારજનોએ કરી ન્યાયની માંગ

આ કરુણ બનાવ બાદ મૃતક યુવરાજ થાપાના પરિવારજનો અને સમગ્ર નેપાળી સમાજના લોકો એકઠા થયા હતા અને આરોપીઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની માંગ કરી છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી માસૂમ યુવરાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. પોલીસે આ સમગ્ર મામલે પરિવાના નિવેદનો આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Vadodaraના રણોલીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી રહીશો તોબા, સત્યનારાયણ સોસાયટીના લોકોનું જીવવું હરામ