વડોદરા શહેર નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર રણોલી ખાતેથી એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે. રણોલીમાં આવેલી સત્યનારાયણ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય અને ઝેરી કેમિકલની દુર્ગંધ ફેલાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તેમજ નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જેને લઈને વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેમિકલ ભરેલી ગાડીઓ ખાલી કરાતી હોવાનો આક્ષેપ
સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેટલાક બેજવાબદાર તત્વો દ્વારા રાત્રિના કે વહેલી સવારના સમયે અનધિકૃત રીતે કેમિકલ ભરેલી ગાડીઓ (ટેન્કરો) માંથી રસાયણો ખાલી કરવામાં આવે છે, જેના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ વ્યાપી જાય છે. આ મામલે ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક સરપંચ પ્રવીણા રોહિત તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકોની સમસ્યા સાંભળી હતી અને સમગ્ર સ્થિતિની તાગ મેળવ્યો હતો.
