સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રસ્તા કિનારે રમી રહેલા એક શ્રમિક પરિવારના માસૂમ બાળક પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારનું ટાયર ફરી વળતાં બાળકનું ભયાનક અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
અઢી વર્ષના માસૂમ પર કાર ચડી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, વેસુ વિસ્તારમાં શ્રમિક પરિવારનો માત્ર 2.5 વર્ષ (અઢી વર્ષ) નો માસૂમ બાળક ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન એક મહિલા ચાલકે બેફામ રીતે કાર હંકારીને રમતા બાળક પર ચડાવી દીધી હતી. અકસ્માત સર્જાતા જ બાળકના શરીર પર કારનું ટાયર ફરી વળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
