બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ખેમાણાથી કાંકરેજના ખીમાણા સુધી બનનારા બાયપાસ રસ્તાના આયોજનમાં એક મહત્વપૂર્ણ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ બાયપાસ રૂટ 26 જેટલા ગામોમાંથી પસાર થવાનો હતો, પરંતુ નવા આયોજન મુજબ હવે તેને ટૂંકાવીને માત્ર 13 ગામડાઓનો જ આ પ્રકલ્પમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાલનપુરના ખેમાણાથી શરૂ થઈને કાંકરેજના ખીમાણા ટોલટેક્સ સુધી નીકળનારા આ બાયપાસથી વાહનવ્યવહારને મોટી સુવિધા મળશે.

ડીસા અને પાલનપુર તાલુકાના 13 ગામોનો નવા પ્લાનમાં સમાવેશ

આ નવા આયોજન હેઠળ ડીસા તાલુકાના લોરવાડા, વડાવળ, જુના ડીસા, ભોયણ, રસાણા નાના, રસાણા મોટા, ઢુવા અને વાસણા ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાલનપુર તાલુકાના બાદરપુરા, ખોડલા, ચડોતર, ખેમાણા અને કરજોડા ગામોમાંથી આ બાયપાસ પસાર થશે. અગાઉ કરતાં ગામડાઓની સંખ્યા અડધી થઈ હોવા છતાં, આ પસંદ કરાયેલા 13 ગામોમાં જમીન સંપાદનને લઈને સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે.

મહામૂલી જમીન કપાતમાં જતાં ડીસાના ખેડૂતોમાં વિરોધનો વંટોળ

અગાઉ 26 ગામોમાંથી પસાર થતા આ બાયપાસમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ફળદ્રુપ અને મહામૂલી જમીન કપાતમાં જતી હતી. હવે નવો રૂટ નક્કી થતાં ડીસાના વડાવળ સહિતના સંબંધિત ગામડાઓમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોતાની રોજીરોટી સમાન ખેતીની જમીન ખોવાનો ડર સતાવી રહ્યો હોવાથી સ્થાનિક ખેડૂતો આ નવા આયોજન સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે મોટા સમાચાર, 7 સપ્ટેમ્બરે યોજાશે વધઘટ બદલી કેમ્પ