બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેમાણાથી લઈને ડીસા તાલુકાના ભીલડી વચ્ચે પ્રસ્તાવિત નવા બાયપાસ રોડ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આ બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં જ પાલનપુર અને ડીસા તાલુકાના આશરે 26 જેટલા ગામોના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે 186 મીટર જેટલી પહોળાઈમાં જમીન સંપાદન કરવાની યોજના હોવાથી હજારો વીઘા ખેતીની જમીન રોડમાં કપાવાની ભીતિ સેવાઈ રહી છે.
મહામૂલી જમીન બચાવવા આક્રોશ
પોતાની મહામૂલી અને ફળદ્રુપ ખેતીની જમીન બાયપાસમાં જતી હોવાનો આક્ષેપ કરીને ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સંપાદનના વિરોધમાં પાલનપુરના વડાવળ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને સરકાર તથા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના આજીવિકાના મુખ્ય સાધન એવી જમીન બચાવવા માટે ખેડૂતોએ એકસૂરે જમીન સંપાદનની પ્રક્રિયા તુરંત અટકાવવાની અને તેમને યોગ્ય ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે.
