શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે ૧ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહામેળાનો પ્રારંભ આજરોજ જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ કરાવશે. અંબાજી ખાતે સવારે સાડા નવ કલાકે માતાજીના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાનો વિધિવત શુભારંભ કરાશે.


માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા કરવામાં આવશે

લાખો પદયાત્રીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે એવો ભાદરવી પૂનમ મહામેળો તા. ૧ સપ્ટેમ્બર થી ૭ સપ્ટેમ્બર સુધી યોજાઇ રહ્યો છે. ત્યારે વર્ષોની પરંપરા પ્રમાણે અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટર મિહિર પટેલ સહિતના મહાનુભાવો માતાજીના રથને દોરીને મેળાનો પ્રારંભ કરાવશે. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે.

સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવશે લાખો ભકતો

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબા ને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠી ને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.

  • Follow us on: