બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.


આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી

ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત સદર બેઠકમાં સભ્યસચિવ અને પ્રાયોજના વહીવટદાર આર.આઈ.શેખ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪/૨૫ માં તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.

અમીરગઢના આદિજાતિ વિસ્તારના રૂ. ૨૧૩૫.૨૩ લાખના ૪૯૦ કામો મંજૂર કરાયા હતા

આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૨૧૩૫.૨૩ લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ. ૪૧૪.૪૬ લાખ મળી કુલ રૂ. ૨૫૪૯.૬૯ લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી. જેમાં ૨ તાલુકા દાંતા અને અમીરગઢના આદિજાતિ વિસ્તારના રૂ. ૨૧૩૫.૨૩ લાખના ૪૯૦ કામો મંજૂર કરાયા હતા. જેમાં દાંતા તાલુકા માટે ૧૨૯૩.૮૨ લાખના ૨૯૫ કામ અને અમીરગઢ તાલુકાના ૮૪૧.૪૨ લાખના ૧૯૫ કામનો સમાવેશ થાય છે. આ સાથે છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના ૧૨ તાલુકાના કુલ રૂ.૪૧૪.૪૬ લાખના ૧૨૫ કામો મળી કુલ રૂ.૨૫૪૯.૬૯ લાખના ૬૧૫ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.

જિલ્લાના સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં અને સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે બેઠકના છેલ્લા વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: