બનાસકાંઠા જિલ્લામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરી ચકાસણી દરમિયાન નાપાસ (ફેલ) જાહેર થયા હતા. આ ગંભીર બેદરકારી બદલ અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા કડક વલણ અપનાવીને કુલ 14 કેસોમાં રૂ. 54 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.
પાલનપુર, ડીસા અને અંબાજીની પેઢીઓ સામે મોટો સપાટો
આ કડક કાનૂની કાર્યવાહી અંતર્ગત જિલ્લાના મુખ્ય વેપારી મથકો જેવા કે પાલનપુર, ડીસા અને યાત્રાધામ અંબાજી સ્થિત વિવિધ ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી પેઢીઓ સામે કાયદેસરના પગલાં લેવાયા છે. લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અને નિમ્ન ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી આ એજન્સીઓ તેમજ દુકાનો સામે તપાસ બાદ આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના આ પગલાંથી નિયમોનું પાલન ન કરતી પેઢીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
